સબંધ લાગણીભીનો

0
લવ સ્ટોરી

આથમતી સાંજ નો હળવો ઉજાસ રેલાતો હતો. સંધ્યા ના રંગો થી આકાશ સોનેરી થઇ ગયુ હતુ. પંખીઓ નો કલબલાટ રાત ના ઓથાર ને સુચવતો હતો જાણે. અનન્યા ની આંખો મા પણ એ અંધારી રાત નો આછો ઓથાર દેખાતો હતો. એની બેચેની એના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. વરકુંડ નો દરિયો પણ જાણે બેબાકળો બની ગયો હતો. મોજાઓ ઉંચે સુધી ઉછળી અને જમીન પર પટકાઈ ને ફીણ ફીણ થઇ જતા હતા… લાગણીઓ નુ પણ કંઈક આવુ જ હોય છે ને?? ખુબ ઉંચે સુધી ઉછળી ને પણ ફીણ ફીણ થઇ અને નીચે જમીન પર પછડાઇ જવાનુ. અનન્યા એ વાતાવરણ મા ઓળઘોળ થઈ ગઈ હતી. ઉડતા પંખીઓ નો કલબલાટ.. મોજાઓ નો ઘુઘવાટ અને હૃદય મા ચાલતા લાગણીઓ ના તોફાન મા એ અટવાઈ ગઇ હતી. ભૂતકાળ અને ભવિષ્ય ની વચ્ચે ચાલતા વર્તમાન મા એ ક્યાય હતી જ નહીં. ભૂતકાળ ની યાદો અને ભવિષ્ય ના સપનાઓ ની વચ્ચે પોતે પોતાનુ વર્તમાન જ ખોઇ બેઠી હતી. એ અસમંજસ મા કે ભૂતકાળ ની યાદો મા જીવવુ કે ભવિષ્ય ના સપનાઓ મા મ્હાલવુ..

“અનુ… આ જ પળ જીવન છે.. અત્યાર ની ક્ષણ જ જીવન છે.. ગઇકાલ અને આવતીકાલ મા જીવીશ તો અત્યાર ની આ પળ નહીં જીવી શકે..” આરવ નો હાથ અનન્યા ના ખભ્ભા પર હતો..

વરકુંડ ના દરિયા કિનારે પથ્થરની બનેલી પાળીએ બેઠેલી અનન્યા ના પગ દરિયા ના ખારા પાણી થી પલળતા હતા.. સામે સુર્ય અસ્ત થઇ રહયો હતો અને પાછળ આરવ એના મનોમંથન ને શબ્દો આપી રહ્યો હતો. અનન્યા ના મૌન ને જાણે એણે પોતાના શબ્દો આપ્યા હતા. જે મૌન ને પણ સમજે એ જ તો સંબંધ…

“આજે આ દિવસ આવી ગયો આરવ.. આ દિવસ આવશે જ એ ખબર હતી છતાં પણ આટલો તરફડાટ કેમ?” અનન્યા ની આંખોમાં પ્રશ્ન હતો.

“મગજ જે વાત જાણતુ હોય.. સ્વિકારતુ હોય એ વાત મન સ્વિકારતુ નથી.. પછી મન અને મગજ વચ્ચે ના યુધ્ધ નુ પરિણામ એ તરફડાટ.” એક સ્મિત સાથે એ બોલ્યો.
“તને આવો તરફડાટ નથી થતો?” હજુ પણ આંખોમાં મા પ્રશ્ન એમ જ હતો.

“જેટલુ તોફાન તારી અંદર ચાલે છે એનાથી ક્યાય વધુ તોફાન મારી અંદર ચાલે છે અનુ. પણ, આ તોફાન સામે હિંમત થી ઉભુ રહેવુ જ પડશે.. અને તો જ બચી શકીશુ.” એની આંખ મા પણ એક પિડા ઉભરાઈ.

“આરવ, તને યાદ છે આપણે પહેલી વખત મળ્યા હતા એ?” અનન્યા ના ચહેરા પર એક સ્મિત આવી ગયુ હતુ.

“હા, એ તો યાદ જ હોય ને.. કેટલો જગડો કર્યો હતો તે મારી સાથે.. અને એ પણ મકાઇના ડોડા માટે..” અને એના અવાજ મા પણ હાસ્ય ભળ્યુ.

એક મીનીટ પહેલા ના એ તંગ વાતાવરણ મા થોડી હળવાશ ભળી ગઇ.

“હા તો તારે મારી મકાઇ લેવાય જ નહીં ને.. એક તો વરસાદ અંધાર્યો હતો.. પલળવાની બીક હતી અને તુ એવી રીતે વચ્ચે થી મારી મકાઇ લઇ લે તો, જગડો ના કરુ તો શુ હુ તારી આરતી ઉતારાતી? ” અત્યારે પણ અનન્યા ના અવાજ મા એ જ સુર હતો જે ત્રણ વર્ષ પહેલા હતો. અને આરવ ના હોઠ પર પણ એ જ સ્મિત હતુ..

“કેવુ ને અનુ.. આપણે અચાનક થી મળ્યા.. ત્યારે ખબર પણ નહતી કે આટલી નજીકતા કેળવાશે.” આરવ પણ પાળી પર બેઠો.. એકદમ અનુ ની બાજુમાં.
બંને ચુપ બેઠા હતા. ઢળતી સાંજ નો છેલ્લો સાથ માણતા હતા.

“અને પછી આપણે બીજી વખત અથડાયા..” એ અટકી ગઇ.

“હા, વરસતા વરસાદમાં.. તુ કોલેજ થી ઘરે જતી હતી.. અને હુ મારા મિત્રો સાથે વરસાદ ને માણવા..” એ પણ યાદો મા અટવાઈ ગયો. અનરાધાર વરસાદ વરસતો હતો અને અનન્યા એની મિત્રો સાથે ભાગી ને ઘર તરફ જતી હતી. પલળેલા ચપોચપ કપડા મા એ વધુ હોટ લાગતી હતી. એના ગોરા લીસા ચહેરા પર વરસાદ નુ પાણી પણ ટકી નહતુ શક્તુ.. એની કાજળ કરેલી આંખો અને વાદળ ના રંગ જાણે એકમેક મા ભળી જતા હતા. ભીનો ચોટલો અને ખુલી લટ માથી ટપકતુ પાણી એની ગરદન પર થઈ ને આમતેમ સરકી જતુ હતુ. ચહેરા પર ખોટો રોષ હતો એ વરસાદ પર જે એને ભીંજવતો હતો. પણ, મન મા તો એ પણ ભીંજાવા જ માંગતી હતી. અને એ અનન્યા પર ત્યારે જ મન મોહી ગયુ હતુ. જે એણે પોતાના મન મા જ રાખવુ હતુ. એની માસુમિયત મા એક આકર્ષણ હતુ.. અને એ આકર્ષણ હવે એને અનન્યા તરફ ખેંચવા લાગ્યુ હતુ.

બંને એક જ કોલેજમાં હતા પણ આરવ સીનીયર હતો. એટલે ક્યારેક ક્યારેક કોલેજમાં સામે આવી જતા એ બહુ સામાન્ય હતુ. પણ હવે અચાનક અથડાવા ની રાહ જોવા કરતા એ સામે થી જ અનન્યા સામે આવી ને ઉભો રહી જતો. અનન્યા ને ગુસ્સે કરવી.. એને ચિડવવા મા એને ગજબ મજા આવતી. એક પણ તક એ ગુમાવતો નહીં એને ચિડવવાની.. અને એ પ્રેમ નુ જ એક રૂપ હતુ.. ત્યારે કદાચ એટલી સમજ નહતી કે અનન્યા ને ચિડાયેલી જોવી ગમે છે.. પણ, એ ત્યારે જ જ્યારે પોતે એને હેરાન કરી હોય.. એક પઝેસીવનેસ આવી ગઇ હતી.. રિસાયેલી અનન્યા ને એ પોતે મનાવતો પણ ખરો..
એ જગડાઓ, નારાજગી, રિસામણા અને મનામણા… આ બધા મા સાથે સાથે પ્રેમ ક્યારે થતો ગયો એ ક્યા ખબર જ રહી.. એક સમજણ પણ પાંગરતી હતી, પ્રેમ ના એ કોમળ છોડ ની સાથે. જગડાઓ મા પણ મિઠાશ ની સાથે મિત્રતા પણ ભળવા લાગી હતી. સમજણ અને વિશ્વાસ ભળવા લાગ્યા હતા. ક્યારેક જ થોડી પળો નો સાથ ધીરે ધીરે કલાકો નો સાથ થવા લાગ્યો હતો. પ્રેમ ની તો ખબર નહીં પણ આદત તો જરૂર બની ગયા હતા.. બંને એકબીજા માટે. અને ક્યારેક આ આદત એટલુ ખતરનાક રૂપ લઇ લેતી હોય છે જે આપણ ને ખબર પણ નથી હોતી.

આરવ ને તો અનુ એટલે જ સર્વસ્વ.. પણ અનુ એ વાત હજુ સમજી નહતી શકી.
“આરવ, આપણે કેટલી મજા કરી નહી કોલેજ ના એ વર્ષ મા?” અનન્યા એ મૌન ને તોડતા કહ્યુ.

“હા.. ને અનુ.. મજા તો એવી કરી કે આખી જીંદગી એ યાદો ને મમળાવતા નીકળી જાય.” ખુશી હતી આરવ ના ચહેરા પર.. જીવાયેલી ક્ષણો ની ખુશી..

“અને પછી એ સાંજે…” અનન્યા જાણી જોઇ ને ચુપ થઇ ગઇ.

“અને એ સાંજે મે તને મારા દિલ ની વાત કરી.. મારા પ્રેમ ની વાત કરી.. ” આરવ પણ ચુપ થઇ ગયો.
બંને પોતપોતાના મન મા એ ક્ષણ વાગોળતા હતા.
એ સાંજે આરવે અનન્યા ને પ્રપોઝ કર્યુ હતુ.. પ્રેમ સામે પ્રેમ ની આશા સાથે. અને અનન્યા ને જાણે એક મોટો ઝટકો લાગ્યો.. ‘શું મારા વર્તન મા એવુ કંઇ અણછાજતુ ભળ્યુ કે આરવ તને મારા માટે આવી લાગણીઓ થઇ..?’ એના મન નો સવાલ એને આરવ ને જ કર્યો.

“કેમ? પ્રેમ થવા માટે સામા પાત્રનુ અણછાજતુ વર્તન હોવુ જરૂરી છે? અને આ અણછાજતુ વર્તન એટલે શુ? પહેલા તો તુ મને એ સમજાવ.” આરવે કહ્યુ.

“તને કેમ પ્રેમ થઇ ગયો..?” અનન્યા ને કંઇ સુજતુ નહતુ કહેવા માટે.

“પ્રેમ કંઇ પુછી ને થોડો થાય? કે અનન્યા મેડમ સાથે પ્રેમ કરવો કે ન કરવો..? ” આરવે ગહન વિચાર મા હોય એવા હાવભાવ સાથે કહ્યુ.

“એમ નહીં..” પોતાને પણ સમજાતુ નહતુ તો એ કંઇક બોલે.

“તો કેમ??? ” આરવ ના અવાજ મા મસ્તી ભળી.

“આરવ, હું મસ્તી ના મુડ મા નથી.. પ્લીઝ બી સિરીયસ..” એની આંખોમાં સ્હેજ ભીની થવા આવી.

“સોરી સોરી અનુ.. બસ મારે તો તને એટલુ જ કહેવુ છે કે હું તને ખુબ પ્રેમ કરુ છુ.. આ આખુ જીવન તારી સાથે વિતાવવા માંગુ છુ.. તારા મન મા શું છે એ જાણવા માંગુ છુ..” એ બોલતો રહ્યો.

“મને હવે પ્રેમ કરવાનો કોઇ હક નથી.. અને બીજી વાત કે મે ક્યારેય તને એ નજર થી નથી જોયો..” આંખ ના આંસુ ને જાણે એ ગળતી હતી.

“પ્રેમ કરવાનો હક નથી એટલે??? મને કંઇ સમજાયુ નહીં.. અને પ્રેમ થવા મા તો વળી કેવી નજર જોઇ?” આરવ ના સ્વભાવ પ્રમાણે ફરી મસ્તી સુજી.. પણ એણે અનન્યા ની આંખ ની ભિનાશ જોઈ વાત ની ગંભીરતા સમજાઇ.

“આરવ… હું તને કાયમ કહેતી કે મારુ ભવિષ્ય અહીં નથી પણ ફોરેન મા છે..” એ અટકી.

“એટલે તને ફોરેન સાથે પ્રેમ છે… એનુ મહત્ત્વ વધુ છે?” સ્હેજ અકળાયેલા અવાજ મા કહ્યુ.

“નિયતિ મા જે હોય એને મહત્વ આપીએ કે ના આપીએ.. એ એની મેળે જ મહત્વપૂર્ણ થઇ જાય છે.” ઉંડો શ્વાસ લેતા એ બોલી.

“યાર.. સમજાય એમ બોલ ને..” આરવ ની અકળામણ વધતી જતી હતી.
“મારી સગાઇ થઇ ગઇ છે.. અને મારો મંગેતર અમેરિકામાં સ્થાયી છે.. એટલે મારી નિયતિ પણ ત્યા જ છે..” એને એક શ્વાસે બોલી નાખ્યુ.

“શું. ..? તારી સગાઇ થઇ ગઇ છે????? ક્યારે??? કોની સાથે…????” જાણે વિજળી ના તાર પર હાથ મુકાઈ ગયો હોય એવા ઝટકા સાથે એ બોલ્યો.

“હા આરવ, અમારી કાસ્ટ મા નાની ઉંમર મા જ સગાઇ નક્કી કરી દે.. પછી વર્ષો વર્ષ અમે મળ્યા પણ ના હોય.. અને લગ્ન ની ઉંમર થતા એની સાથે પરણાવી દે.. અંશુમન.. એનુ નામ છે. અને મારા પપ્પા ના મિત્ર નો દિકરો. અમે એકબીજા ને જોયા પણ નથી.. નાનપણ મા જોયા એ જ.. એ પછી કોઇ સંપર્ક નહીં. વડીલો લગ્ન ની તારીખ નક્કી કરે એ પછી અમને વાત કરવાની પરવાનગી મળે. ” એ સમજાવાના સુર મા બોલતી હતી.

“તે એને જોયો પણ નથી.. એના વિશે કંઇ ખબર પણ નથી અને એની સાથે લગ્ન કરી લઇશ???? અને એ પણ અમેરિકામાં મા રહેતો આ રીત રિવાજ ને માની અને એક સાવ અજાણી વ્યક્તિ સાથે લગ્ન કરવા માની ગયો? ” આરવ ના અવાજ મા ગુસ્સા સાથે આશ્ચર્ય પણ હતુ.

“હા… અને આ જ પપ્પા ની ઇચ્છા છે અને આ જ રિવાજ છે.. અને પપ્પા એ મારા માટે વિચાર્યુ હોય એ મારા સારા માટે જ વિચાર્યુ હોય.. આ વાત અંશુમન પણ સમજતો હશે.. એટલે જ અમેરિકન કલ્ચર ને અપનાવ્યુ નહીં હોય.” એક વિશ્વાસ થી એ બોલી.

“ખરેખર..?? આઇ મીન સીરયસલી??? તુ સાચે એક સાવ અજાણી વ્યક્તિ સાથે…..?” આરવ વિચારતો હતો.

અને એ મુલાકાત ત્યા જ પુરી થઇ ગઇ. થોડા દિવસો સુધી અનન્યા આરવ ની સામે જ ન આવી. પોતાના કારણે ક્યાક આરવ ની જીંદગીમાં કંઇ મુશ્કેલી ના આવે એ ડર હતો એને.. એ આરવ ના સ્વભાવ ને જાણતી હતી. થોડો વધારે જીદ્દી હતો.. અને એનો પ્રેમ જીદ્દ બની જશે તો ત્રણ જીંદગી મા વંટોળ આવી જશે.
લગભગ એક મહીનો વિતી ગયો અને બધુ નોર્મલ લાગતુ હતુ ત્યા આરવ ફરી અનન્યા ની સામે આવી ઉભો રહ્યો.

“અનુ, વાત કરવી છે.. સાંજે મળીએ?” એનો અવાજ શાંત હતો એકદમ.

“હા, સાંજે મળીએ.” અનન્યા એ પણ ખૂબ નોર્મલી અને શાંતિ થી કહ્યુ. મન મા એવુ હતુ કે આરવ હવે પ્રેમ ના આવેશ માથી બહાર આવી ગયો લાગે છે.

સાંજ પડવા આવી.. આ વરકુંડ ના દરિયા કિનારે જ બંને મળવાના હતા.
ઠંડો પવન વા’તો હતો.. મોજા ના ઘુઘવાટ સાથે પવન તાલ મિલાવતો હતો. અનન્યા અને આરવ, પથ્થર ની પાળી પર બેઠા હતા. અનન્યા ને આરવ નુ મૌન ખુંચતુ હતુ.

“બોલ ને આરવ.. શું કહેવુ છે તારે??” અનન્યા એ વાત શરૂ કરતા કહ્યુ.jem chhe tem

“અનુ, આ એક મહિના માં મે ઘણુ વિચાર્યુ… કે તને નહીં ચાહુ.. પણ તને ન ચાહવી એ મારા થી નથી થતુ યાર… ” એના અવાજ મા ગુસ્સા સાથે લાચારી પણ હતી.

“પણ, મારા લગ્ન નક્કી થઇ ગયા છે.. અને મે તને હંમેશા એક મિત્ર ની જેમ માન્યો છે અને એમ જ ચાહ્યો છે.. બીજુ કંઇ પણ મે વિચાર્યુ પણ નથી અને વિચારવુ પણ નથી.” સમજાવાના સુરે એ બોલી.

“અનુ, મારે તારી કમર મા હાથ વિંટાળી ને નથી ફરવુ.. પણ, મારે તો બસ તારા કપાળ પર કીસ કરી તારી સાથે રહેવુ છે. કોઇ સ્વાર્થ વગર તારી સાથે રહેવુ છે.. તારો હાથ પકડી આ દરિયા ની ભીની રેતીમાં ચાલવુ છે.. તારી સાથે વરસાદ મા ભીંજાવુ છે.. ક્યારેય નથી કરી એટલી વાતો કરવી છે.. તને સાંભળવી છે.. તારા મા સંતાયેલી તને જ મારે શોધવી છે.. પ્રેમ નો અર્થ સમજવો છે.. એ અનુભવવો છે.. એને માણવો છે.. અનુ, તુ મને તને ચાહવવાની પરવાનગી આપીશ..? બસ, તને ચાહવા સિવાય મારે કંઇ નથી જોઇતુ.. અને એ પણ ત્યા સુધી જ જ્યા સુધી અંશુમન તારી સામે ના આવે… અંશુમન અને તુ જે દિવસે મળશો એ દિવસ આપણા સાથ નો છેલ્લો દિવસ હશે.. હું તને તારી આવનારી જીંદગીમાં ક્યાય ભારરૂપ નહીં થાવ.. અને એવો કોઇ સબંધ આપણી વચ્ચે નહીં થાય કે તને ભવિષ્યમાં પણ અફસોસ થાય.. લાગણી નો સબંધ.. આ લાગણીઓ મા મને બંધાવા દઇશ.? ” આરવ ની આંખો માંથી સ્નેહ વરસતો હતો.

અનન્યા એને જોતી રહી.. નિઃશબ્દ થઇ ને.

sad boy
sad boy

“અનુ, ચાલ ને થોડુ જીવી લઇએ.. યાદો ને ભેગી કરી લઇએ.. અને એ યાદો આખી જીંદગી વાગોળતા રહીશુ.. તુ મને પ્રેમ નથી કરતી એ મને ખબર છે.. ના કરતી.. પ્રેમ ક્યા ક્યારેય માંગી ને મળે છે.. અને પ્રેમ મા અપેક્ષા રાખવી પણ વ્યર્થ છે.. મને પણ તારી પાસે થી સામા પ્રેમ ની આશા નથી.. આપણુ ભવિષ્ય શું છે એ આપણે જાણીએ જ છીએ.. પણ એ ભવિષ્ય જ્યારે આવે ત્યા સુધી ના વર્તમાન ઉપર તો આપણો હક છે ને.. તુ મારા આવા પ્રેમ ને સ્વિકારીશ?” એ અટક્યો.. અનન્યા ની આંખો ઉકેલવા.

“પણ આરવ આપણે ક્યારેય એક નહીં થઇ શકીએ..” એની આંખ મા આંસુ ધસી આવ્યા.

“હા.. એ તો મને ખબર જ છે ને.. ” એ બોલ્યો.

“તો પણ તુ મને ચાહીશ .?” અનન્યા ની આંખો હજુ વહેતી હતી.

“હા…તો પણ તને ચાહુ છુ અને ચાહતો રહીશ.” સ્મિત સાથે એ બોલ્યો.

“પણ આરવ.. પછી એ પ્રેમ ને ભૂંસવો બહુ અઘરો થઇ જશે… તને તકલીફ થશે.. અને કદાચ મને પણ..” આગળ ના શબ્દો એ સાથ ન આપ્યો.

“પ્રેમ કર્યા પછી એને ક્યા ભૂંસી શકાય છે.. એ તો એક અહેસાસ છે જે પછી પણ સતત આપણી અંદર જીવ્યા કરે.. એકવાર પ્રેમ થયા પછી એને ડીલીટ નથી કરી શકાતો.. અને તને મારા માટે એવો પ્રેમ તો નથી.. તુ મિત્ર બની ને સાથ આપ.. બંને ના ભાગ નો પ્રેમ હુ કરી લઇશ.. એટલે તને તકલીફ નહીં થાય.. અને રહી મારી તકલીફ ની વાત તો એ તકલીફ પણ પ્રેમ જ તો છે..” ફરી સ્મિત સાથે એણે કહ્યુ.

અનન્યા નુ મન આ વાત માનવા કે સમજવા તૈયાર નહતુ.
અને અંતે એવા નિર્ણય પર પહોંચી કે જેમ અત્યાર સુધી સાથે રહેતા.. હસતા.. બોલતા.. એમ જ સાથે રહેશે.. આગળ કંઇ વિચારી ને દુઃખી નથી થવુ.

આરવે ક્યારેય કોઇ સીમા લાંઘવાની કોશિશ પણ ન કરી.. કંઈક અલગ જ પ્રેમ કર્યો.. એની સાથે કલાકો વાતો કરતો તો ક્યારેક સાવ ચુપ થઇ જતો.. અને કલાકો સુધી ફકત દરિયા ના ઉછળતા મોજા સામે બેસી રહેતા.. મૌન પણ એક ભાષા જ છે ને.. પણ અફસોસ એટલો કે બધા ને આ ભાષા નથી આવડતી.. અનન્યા ને ખુશ જોવા સિવાય આરવ ની બીજી કોઇ ઇચ્છા નહતી. અને આવો સાથ હોય ત્યા સમય ક્યા થંભે છે.. એ તો એનુ કામ કર્યા જ કરે છે..

કોલેજ નુ છેલ્લુ વર્ષ પણ પુરુ થવા મા હતુ.. અને એ દિવસે અંશુમન ના પપ્પા એ લગ્ન ની તારીખ નક્કી કરવા અનન્યા ના પપ્પા ને મળવા બોલાવ્યા.. અંશુમન આવતા મહીને ઇન્ડિયા આવાનો હતો એટલે એમની ગણતરી મુજબ ત્યારે જ બંને ના લગ્ન કરાવી આપવાની હતી. અને નસીબ થી લગ્ન ની શુભ તારીખ પણ નીકળી ગઇ. ફક્ત દોઢ મહિના નો સમય આડો હતો. અને અંશુમન ને આવવામા એક મહિના નો સમય..

અનન્યા એ જ્યારે આરવ ને આ વાત કરી ત્યારે આરવ ના ચહેરા ના ભાવ મા તસ્સુભાર પણ ફરક ના પડ્યો.
બાકી ના દિવસો પણ સામાન્ય દિવસો ની જેમ જ એ હસતો.. બોલતો.. અનન્યા ને ખૂબ ચિડાવતો..
અને આજે પોતાની છેલ્લી મુલાકાત નો સમય પણ આવી ગયો.

મન મા તો વાવઝોડુ ઉપડ્યુ હતુ પણ પોતે આ વાવાઝોડા ની તૈયારી સાથે જ તો લાગણી ના સબંધ મા બંધાયો હતો. પણ એ ખૂબ ખૂશ હતો.. જીવાયેલી ક્ષણો થી.. એવા સપનાઓ નહીં પણ હકીકત જીવ્યા નો સંતોષ હતો.

“આરવ, કંઈક બોલ ને.. ” અનન્યા ને આરવ નુ મૌન ખુંચતુ હતુ. અંશુમન ને મળવાનો થનગનાટ અને આરવ થી દુર થવાનો તરફડાટ.. બંને સામ સામે જાણે યુધ્ધે ચડ્યા હતા.

“અનુ, હવે આપણે ક્યારેય નહીં મળીએ.. પણ હા, તને ક્યારેય એક મિત્ર તરીકે મારી જરૂર હશે તો ચોક્કસ હું તને મદદરૂપ થઇશ. મારો ફોન નંબર કાયમ માટે આ જ રહેશે જે અત્યારે છે.. તારા ફોન ની રાહ તો હુ ક્યારેય જોવા નથી ઇચ્છતો.. પણ કદાચ ક્યારેય મારી જરૂરિયાત લાગે તો અડધી રાત્રે પણ તુ મને હક થી ફોન કરી શકે છે. તારી જીંદગીમાં બસ ખુશીઓ નો વરસાદ હોય.. અને અંશુમન તને મારા કરતા પણ વધુ ચાહે.. વધુ પ્રેમ આપે એવી જ કામના છે મારી.. અને તુ મને ક્યારેય યાદ ના કરે..” એની આંખો મા અખૂટ સ્નેહ હતો.

“અને તુ શું કરીશ આરવ? લગ્ન કરી અને તુ પણ સુખી જીવન જીવજે..” અનન્યા ની આંખ મા ચિંતા હતી.પોતાના ગયા પછી આરવ ને કોણ સંભાળશે એ ચિંતા.. એ જાણતી હતી કે પોતાને તો ક્યારેય એવો પ્રેમ નથી થયો પણ આરવ ને તો પ્રેમ જ પ્રેમ હતો. અને પોતે આ વિયોગ થી આટલી તડપે છે તો આરવ ની મનોસ્થિતિ તો એ કલ્પી પણ નહતી શકતી. અને આ તરફડાટ થી બચવા જ એ સતત આરવ ને ના કહેતી હતી પોતાને ચાહવાની. બાકી દુનિયા મા કોણ એવુ છે જેને પ્રેમ ના જોતો હોય..?

“અરે.. હું તો ધામધૂમથી લગ્ન કરીશ.. અને મારી પત્નીને આંખ પર બેસાડીને રાખીશ.. તને ઇર્ષ્યા આવે ને એવી રીતે.. પછી અફસોસ કરજે કે કાશ… અંશુમન ને બદલે આરવ સાથે લગ્ન કર્યા હોત તો…” અને આરવ ખડખડાટ હસી પડ્યો. મન મા ચાલતા ધમાસાણ ને વ્યક્ત કેવી રીતે થવા દેવાય.?

“તુ મને ભુલી જઇશ ને..?” ભાવ વિહીન સ્વરે એ બોલી.

“તારુ સ્થાન તો હંમેશા મારા હ્રદય ના એક ખૂણા મા રહેશે જ.. તુ મારો પહેલો પ્રેમ છે.. એ ભુલવા ધારુ તો પણ ના ભુલાઈ. એ ભીની લાગણીઓ ની સુગંધ તો મારા શ્વાસમાં કાયમ રહેશે.. અને સમય સમયે તારી સાથે ગાળેલી ક્ષણો ની યાદો થી એ ભીની લાગણીઓ ને ભીંજવતો રહીશ.. એટલે એ ક્યારેય ના સુકાઈ. મારા હ્રદય નો એ બંધ ઓરડો હંમેશા યાદો થી મઘમઘતો રહેશે.. ” સ્મિત અને સંતોષ સાથે એણે કહ્યુ.

“એક વચન આપ આરવ…” અચાનક જાણે કંઈક સુજ્યુ હોય એમ એ બોલી.

“હા, બોલ ને..” એ બોલ્યો.

“મારા માટે નો તારો પ્રેમ.. તારી ભવિષ્ય ની જીંદગી પર કંઇ અસર નહીં કરે.. આઇ મીન.. તારા અને તારી થવાવાળી પત્ની ના સબંધ મા.. તુ હંમેશા તારી પત્ની ને ચાહીશ.. પ્રેમ કરીશ.. જેમા હું ક્યાય ના હોવ..” એણે હક થી આરવ નો હાથ પોતાના માથા પર મુકતા કહ્યુ.

“હા, અનન્યા.. આ પ્રેમ હવે થી મીઠી યાદો મા જીવશે.. આપણા જીવન મા નહીં. હુ મારી પત્નીને જ સમર્પિત થઇ ને રહીશ.” એણે સ્મિત સાથે કહ્યુ.

અનન્યા આરવ ને ભેંટી પડી. અને આરવ જાણે અનન્યા ના મૌન ને વાચા આપતો હતો.

“અનુ, પ્રેમ નુ એક રૂપ એટલે સમર્પણ. જેને ચાહીએ એને પામીએ નહીં.. અને જેને પામીએ એને જ ચાહવાના.. એ જ તો જીંદગી. જીવન મા બધુ ગમતુ થવા લાગે ને તો સુખ નુ કે પૂર્ણતા નુ મહત્વ જ ના રહે. એટલે જ કંઇક બાકી રહી જતુ હોય છે.. જેની ઝંખના મા તો ક્યારેક યાદો મા જીવન વહ્યા કરે. તુ મારી જીંદગી નુ જીવાઇ ગયેલુ સત્ય રહીશ.. એવુ સપનુ કે મે જેને જીવ્યુ.. ભલે સમય અને કાળ ની મર્યાદા સાથે.. પણ એને જીવ્યા નો પરમ સંતોષ છે મને. તારા ચહેરા પર ના સ્મિત મા ક્યારેક આપણે ગાળેલી ક્ષણો પણ હશે.. અને મારા માટે એ ઘણુ છે.” આરવે અનન્યા ને પોતાના થી અળગી કરી. એને મનભરી ને નિરખતો રહ્યો. એના કપાળ ને ચુમ્યુ.. અને એક મોહક સ્મિત આપ્યુ. અને અનન્યા એને જોતી રહી.. આરવ ને પોતાના થી દૂર થતો જોતી રહી.
પોતે પણ આરવ ના પ્રેમ મા હતી એ અત્યારે રહી રહી ને ભાન થઇ રહ્યુ હતુ. પણ,…
આવો પ્રેમ તો દરેક વ્યક્તિ ઝંખતુ હોય છે.. અને પોતાને મળ્યો છતાં પણ….
આ દિવસ ક્યારેક આવવાનો હતો એ ખબર જ હતી.. પણ ત્યારે એવી ખબર નહતી કે આવી પણ લાગણીઓ થશે..
સુર્ય અસ્ત થઇ ચુક્યો હતો. અંધકાર ની ચાદર એના પગ પસરવા લાગી હતી. એક નવી સવાર ના પ્રકાશ ને પામવા અંધકાર ને પણ અનુભવવો પડે..
આજે પણ ભીની રેતી મા પગલા તો પડતા જ હતા.. પણ દિશા જુદી થઇ ગઇ હતી.
પ્રેમ તો આવો પણ હોય શકે એ સમજાતુ હતુ. જ્યા ફક્ત ચાહવુ એ જ ઝંખના હોય.. સામા પાત્ર નુ સુખ અને એની ખુશી જ સર્વસ્વ હોય… પ્રેમ તો બસ પ્રેમ જ હોય.. નિઃસ્વાર્થ..

લેખક: અંકિતા મહેતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: