મને કોણ સમજશે?

મને કોણ સમજશે?( ટૂંકી વાર્તા)
પરણી ને સાસરે આવી. જાણે મારા શબ્દો ને હું તો પિયર મુકીને આવી.મારી જીભ અચાનક જ બહુ ભારે અને વજનદાર લાગતી હતી. પુરા પ્રયત્ન છતાં જાણે કઈ બોલી જ શકાતું નહોતું. માત્ર શુંન્યવકાશ.. પણ….છેલ્લા એક મહિના થી મારા પપ્પાના ઘેર કેટલી દોડ ધામ હતી. જાણે બધાજ બોલ બોલ કરતા હતા. અને કોઈ જ સાંભળતું નહોતું. શું કામ દોડ્યા કરે છે ? એવું પૂછીએ તો કોઈ જવાબ આપતું નહોતું. શું લેવા જાવ છો? તો કોઈ જવાબ નહિ. હા પણ બધાના મન માં એકજ ધ્યેય હતું . શું ?………..તો કે દીકરી પરણાવી ને સાસરે મોકલવી છે.
હું કશુય બોલતી નહિ, છતાય જાણે બધાય મને સમજતા હતા એવું લાગતું હતું. ક્યારેક તો મનેય એવું લાગતું કે શું મારે બે મન છે? એક મન તો સાસરીયે જવા બહુ ઉત્સુક અને અધીરું હતું. અને બીજું મન એમ વિચારતું કે શું મારા ઘર ના સભ્યો મને અહી થી કાઢવા આટલા ઉતાવળા બન્યા છે? શું એમને હવે મારી કઈ જરૂર નહિ હોય? મન માં વિચારો ના જોરદાર પવન ફૂંકાતા હતા. જાણે ધૂળ ની મોટી મોટી ડમરીઓ ઉડતી. હું આં ડમરી ઓની મધ્યમાં છું. મારી આંખો બંધ છે. રસ્તો જોવાની કોશિશ કરું છું પણ કઈ દેખાતું નથી બધુજ હવે ધૂંધળું લાગે છે. પણ હાશશશ….બહાર તો બધીજ દોડ ધામ ખતમ થાય ગઈ. કેવી નીરવ શાંતિ …ને હું સાસરે આવી ચુકી છું. પણ….અંદર તો તોફાન હજી યથાવત છે. કોને કહું? માં ને ? પપ્પા ને ? ભાઈ ને કે મોટી બેન ને ? પણ અહિયાં તેઓ ક્યાં છે? કોને કહું ? મને કોણ સમજશે?
બસ…….. એટલું વિચારતા વિચારતા તો ૨૦ વર્ષ વીતી ગયા. મારી દીકરી નિશા ૧૮ વર્ષની થઇ ગઈ. કાલે કોલેજ જતા, તેના લાલચટાક કપડા જોઈ બોલી. “ નીશા બેટા આવા કપડા?” તો એનો જવાબ હતો મમ્મી તું નહિ સમજે !!! કાલે મારો દીકરો ધ્રુવ મને પૂછ્યા વગર જ મોંઘો મોબાઈલ લઇ આવ્યો. પૂછ્યું તો જવાબ “ મમ્મી તું નહિ સમજે !!! બંને બાળકોની વાત જયારે તેમના પપ્પા ને કરી, તો બોલ્યા “ બાળકો મોટા થઇ ગયા છે. જવા દે તું નહિ સમજે !!!. મને થયું લાવ ફોન કરીને મારી મમ્મી ને જણાવું. ટ્રીંગ…ટ્રીંગ..હેલ્લો મમ્મી..આખી વાત મમ્મીને જણાવી. બેતાલીશ મિનીટ વાત કર્યા પછી મમ્મી બોલી “ શાલીની ….છોડ ને હવે તને નહિ સમજાય !!! હે ભગવાન…..આ બધું શું ચાલી રહ્યું છે? આ બધું મને કેમ નહિ સમજાય ? આ દુનિયા માં બધાય લોકો મને નહિ સમજાય …મને નહિ સમજાય એવું કેમ બોલ્યા કરે છે? પૃથ્વી પરના લોકો આટલા સ્વકેન્દ્રી કેમ બનતા જાય છે? શું આ દુનિયા ના લોકો ક્યારેય મને સમજશે? શું આ દુનિયા ના લોકો ક્યારેય કોઈ સ્ત્રી ને સમજશે? હવે થાકી ગયી છું પણ જિંદગી એ એટલું શીખવાડી દીધું કે આ સવાલ જ યોગ્ય નથી કે મને કોણ સમજશે ? બીજાને સમજવા પ્રયત્ન કરો. સામા વાળા આપો આપ જ તમને સમજી જશે.
( નોંધ:ઘટના, નામ બધુજ કાલ્પનિક છે. જીવિત કે મૃત વ્યક્તિ સાથે કોઈ જોડાણ કે સામ્ય નથી.)
– દિનેશ પરમાર