રખેવાળ

રખેવાળ

રખેવાળ

                વઢિયાર અને ખારાપાટના સીમાડે ઉનાળામાં સૂકી ને ચોમાસે ગાંડીતૂર બનીને ઉત્તૂંગ સ્વરૂપ ધારણ કરીને રણચંડીકા સમી મહાલતી ને કાંઠે ઊભેલં ઝાડ-ઝાંખરાંને પોતાના પેટાળમાં વહેતા પૂરમાં ઘસેડતી કચ્છના નાના રણને આથમણે કાંઠે સમાઈ જતી રૂપેણ નદી ખેતરોમાં તારાજી પણ સર્જે છે ને ફળદ્રૂપતાના ભંડાર સમો કાંપ ઠાલવીને રસાળ ધરતી પણ બનાવે છે. કાંઠે વસતાં ગામડાંઓના ખેડુતો રૂપેણ રેલાય એની રાહ જોતા હોય છે. જે વર્ષે રૂપેણ પાછોતરા વરસાદે રેલાય, એ વરસે નદીકાંઠાનાં ખેતરો ઘઉં-ચણા અને ઢોર માટે વાવેલી સોલાપરી જુવારથી લહેરી ઉઠે.
                     નદીના બંને કિનારા લીલી ઓઢણી ઓઢી તુરાં શમણામાં ઉછળકૂદ કરતી કિશોરી સમા રવિ પાકથી લહેરાતા હોય. શિયાળાની હાડ ગાળી નાખે એવી ટાઢમાં ખેતરના પાકનાં રખોપાં કરવાનું પણ ખૂબ કઠીન કામ છે! આવા એક ચોમાસાની બળેવ પર રૂપેણ રેલાવાથી નદી કાંઠાનાં ખેતરો ઘઉં-ચણાના પાકથી લહેરાઈ રહ્યાં છે. ભાવસંગ ડાયાની બહારવટિયાની ફોજમાં જોડાએલા ને પછીથી મેરાના દરબારશ્રીની સમજાવટથી બહારવટું છોડી, શરણાગતિ સ્વીકારી નદી કાંઠાની 20 વીઘા જમીનમાં ખેતી કરતા, રાધનપુર નવાબ સરકારના તાબાના ઈનામદારી ગામ ધનોરાના કોળી ઠાકોર અમથાજીએ મેરા દરબારશ્રીની રાહબરીથી ધનોરા ગામનાં ખેતરોની રખેવાળી કરતા.
                                     એક ઘોડી પર આખી સીમમાં ફરીને રાતવરત ચોકી કરે. મેરા દરબારશ્રીની ધાકથી નાનીમોટી ચોરી કરતી કાંટિયા વરણ ડરતી. શિયાળાની રાત સમ… સમ… કરતી હિમાળાના વાયરા રેલાવતી વહી રહે છે, મધરાતનો ગજર ભાંગ્યો છે, એવે ટાણે નદી કિનારે ખેતરોમાં ઢીંચણને ઢાંકતા ચણા પાકવાની અણી પર હોવાથી અમથાજીએ સુખની નિંદર લઈ શકે તેમ નથી, તેથી એક ખેતર પાસે વખડાની છાયામાં અંધારૂં ઓઢીને ઊભેલા અમથાજીના સતર્ક કાને નદીમાં કંઈક ચહલપહલ સાંભળી. અમથાજી હાથમાં બરછી હમેશાં રાખે. થોડી વારમાં ઘોડાની હણહણાટી સંભળાઈ ને અમથાજીએ આજે પોતાની રખેવાળી લેવાશે – એવી દહેશત અનુભવી. અમથાજીએ સતર્કતાથી હાથમાંની બરછી સંભાળી. એટલામાં પંદરેક જેટલાં ઘોડાંઓ નદીમાંથી બહાર આવ્યાં. અમથાજીને થયું કે, નદીપારના ગાયકવાડ સરકાર તાબાના બહારવટિયાઓ લાગે છે, આજે રખેવાળની આબરૂ ધૂળમાં મળી જવાની છે. મનમાં ‘જય તાંતરેશ્વર દાદા મારી લાજ તારે હાથ છે…’ એમ મનમાં સ્મરણ કરીને એણે પોતાની તરફ આવી રહેલા ઘોડેસવારોને પડકાર્યા : ‘કોણ છો?’ આગંતુકોને સવાલ થયો એટલે આગળના અસવારે અમથાજીને સવાલ કર્યો : ‘નવાબ સરકારના રસાલાને સવાલ કરનાર કોણ છે?’ અમથાજી કહે, ‘બાપુ, હું ધનોરા ગામનો અમથાજી છું.’ અમથાજીની ધારણા ખોટી પડી.
                                          રાધનપુર નવાબ સરકારના માણસો રૂપેણ નદીમાં સસલાંનો શિકાર કરવા આવેલા, એમને પણ ભૂખ લાગેલી ને ઘોડા પણ ભૂખ્યા થયેલા, એટલે એમણે અમથાજીને હુકમ કર્યો, ‘આ ખેતરમાંથી ચણા ઉખેડી આપ, ઘોડાઓ માટે.’ ધનોરા ગામ રાધનપુર નવાબ સરકારના તાબાનું ગામ એટલે એમને ચણા આપવાની ના પાડી શકાય નહીં, જો ચણા ઉખેડી આપે તો એ ખેતર હરિજનનું હતું, ચણા ઉખેડે તો ખબર તો પડે જ, ને હરિજનને તો દબાવી-ધમકાવીને પણ ચૂપ કરી શકે, પરંતુ પોતાની રખેવાળી લાજવાની સાથે સાથે પોતાના સગા હાથે ચણા ઉખેડીને નવાબના માણસોને આપવા પડે, એનાથી મોટી નાલેશી કઈ હોઈ શકે!!! અમથાજીએ પળવારમાં નિર્ણય લઈ ઘોડેસવારોને કહ્યું, ‘બાપુ, આ ચણામાં કાંઈ શક્કરવાર નથી, મારી પાછળ પાછળ આવો, એક ખેતર મૂકીને બીજા ખેતરમાં સરસ ચણા છે, એમાંથી તમારે જોઈએ એટલી ગાંસડી ચણા ઉખેડી આપીશ.’ – ને આગળ અમથાજીની ઘોડી ને પાછળ નવાબ સરકારનાં ઘોડાં.
                                        એક વિશાળ રાયણના ઝાડ નીચે બધાં ઘોડાં બાંધ્યાં ને એ ખેતરમાં ઢીંચણને આંબતા ચણા ઉખેડી ઘોડાઓને નિર્યા. ચણાના છોડ પર મોટા પોપટામાં ચણા ભરાઈ ગયા હતા. અમથાજીએ બધા ઘોડેસવારને ચણાનો ઓળો પાડીને ખવડાવ્યો. મોટું પરોઢ થવા આવ્યું હતું. ચણા ખાઈ બધાં ઘોડાને પણ બાજુના વાડીયા તળાવમાંથી પાણી પીવડાવીને વિદાય લેતાં એક ઘોડેસવારે અમથાજીએ પૂછયું : ‘નદી કિનારાના ખેતરમાં પણ ચણા હતા, તો ત્યાંથી ચણા ઉખેડી આપવાને બદલે આ ખેતરમાંથી કેમ આપ્યા?’ હવે અમથાજીએ પોતાની ઓળખ આપતાં કહ્યું, ‘બાપુ, આ આખું ગામ અને સીમ આપના તાબાની છે, આપ ગમે તે ખેતરમાંથી ચણા ઉખેડવા હક્કદાર છો, પણ હું આખી સીમની રખેવાળી કરૂં છું, એટલે જો એ નદી કિનારાના ખેતરમાંથી ચણા ઉખેડી આપ્યા હોત તો, મારા રખોપાને તો લાંછન લાગે જ, પણ મારા સગા હાથે બીજાના ખેતરમાંથી ચણા ઉખેડીને તમને આપવા પડે, એ મારા માટે મોતને વહાલું કરવા જેવું કામ હતું, તેથી હું આપને મારા ખેતરમાં લઈ આવ્યો!!’ નવાબ સરકારના ઘોડેસવારો તો આ રખેવાળને ઘડીભર જોઈ રહ્યા! આટલાં બધાં ગામો ફરવાનું થતું, આવો માણસ પહેલો મળ્યો, જેને પોતાના ચણા કરતાં રખોપાની રખાવટનું મૂલ્ય વધારે હતું. એ બીજાના ખેતરમાંથી બારોબાર ચણા આપી શક્યો હોત, પણ એને પોતાની રખેવાળીની લાજ જાળવી જાણી! ‘ વાહ, અમથાજી…! ‘ અમથાજીની રખેવાળીને બિરદાવતાં નવાબ સરકારના માણસોએ વિદાય લીધી. આ વાતને હોંકારો ભણવા ધનોરા ગામના વાડીયા તળાવને કાંઠે અમથાજીના ખેતરમાં રાયણનું ઝાડ ઊભું છે.
રખેવાળ                                       રખેવાળ                               રખેવાળ              રખેવાળ
લેખક: દશરથ પંચાલ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: