વા’ની મારી સંતુ

santu
વા’ની મારી સંતુ
(વટ, વચન ને વેરની તો ઘણીય વાતો વાંચી હશે ને સાંભળી પણ હશે. પ્રેમ અને વિરહની વાતો પણ સાંભળી હશે, ભક્તિ અને સંતોની વાતો પણ સાંભળી હશે. સૃષ્ટિકર્તાએ પ્રાણીઓમાં એક આવેશ મૂક્યો છે, તેથી અમુક ઉંમરે સુધબુધનું ભાન રહેતું નથી અને માનવજાતમાં આવી ઘટના ઘટે ત્યારે આ વાર્તાનું સર્જન થાય છે!)
“ઊંચે ગોખે વાટ જોતી અભિસારિકાને કહેજો, ફૂલો કેરી સેજ સજાવી, મંગળ સામૈયાં કરજો!”
આખા ગામમાં લોકોના મોઢે એક જ વાત છે : ‘સંતુડીએ કૂવો પૂર્યો.’ ‘હાય.. હાય.., અલી મારી બૈ, કુંસું આ છોળી તો કોઈના હામુંય જોતી ન’તી, પસે બોલવાની તો વાત જ ચાં કરવી?…’ સમુકાકીએ શેરીના નાકે ડોશીમંડળ સમક્ષ વાત ઉકેલતાં કહ્યું. ‘ગરીબ ગાય જેવી દેખાતી છોળી હજી તો ના’તી-ધોતી થઈ તાં તો જાણે પાંખો આઈ જૈ, ને એની હેંડવાની સાલ ઉપરે કૈં વરતાણું નૈ!….’
ગંગામાએ છીંકણીનો સઈડકો ભરતાં ટાપસી પૂરી. ‘ભૈ હળાહળ કળજગ આયો છે, નકર સેંડા લબડતા હોય એવડાં છોકરાં આવું પગલું ના ભરે હો….’ મોંઘીડોશીએ એમાં સૂર પુરાવ્યો. ડોશીઓની આ પંચાત લાંબુ ચાલી ન શકી, ભેંસોને ખાડુમાં મૂકવા જતા રમલાએ હાકોટો કરીને સાંકડી શેરીનું નાકું દબાવીને બેઠેલી ડોશીઓને ઊભી કરી ને સવારમાં શાકવાળી પાસેથી શાક લીધા પછી પંચાતમાં પડેલું ડોશીમંડળ વિખેરાયું! વઢિયાર પંથકનું એક નાનું ખોબા જેવડું ગામ. નાડોદા રાજપૂત, કોળી ઠાકોર અને હરિજન એ ત્રણ કોમનાં ઘર ઘણાં, એમાં એક-એક ઘર વાળા કરશન લુહાર, ચમન સુથાર, લખો વાળંદ, ભગો મેરાઈ, અંબારામ કુંભાર, કાસીરામ સાધુ અને નાનકડી હાટડીમાં મોટો વેપાર કરતા રતિલાલ શેઠ પણ રહે. ગામ નાનું પણ સંપ ભારે. મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન. ખેતીની સિઝનમાં મજુર ના મળે એટલે બે-ત્રણ ખેડૂત પરિવાર સાથે મળી, વારાફરતી એકબીજાના ખેતરમાં કામ કરે.
શ્રાદ્ધના દિવસોમાં જુવાર-બાજરી વાઢવાનું, ખળાં લેવાનું, ઘઉં વાઢવાનું, કાલાં વીણવાનું, ખેતરમાં ખાતર ભરવાનું વગેરે કામ લોકો એકબીજાની મદદ લઈને કરતા. ગામલોકો બધી ખરીદી ગામમાં રતિલાલ શેઠની દુકાનેથી કરે. મોટે ભાગે ઉધારનો ધંધો. રાતે ફાનસને અજવાળે ચિતરેલા નામાંના ચોપડા શેઠનું પેટ અને શાખ વધારતા. દિવાળી પછીની લાભપાંચમે ખેડુતોના ખેતરમાં ઊભેલો પાક રતિલાલ શેઠ નક્કી ભાવે લખી લઈ ખેડુતને ચોખ્ખો કરતા ને સિઝનમાં શેઠની વખાર કાલાંથી ભરાઈ જતી! એ સમયની આ વિનીમય પદ્ધતિ હતી. એનાથી ખેડુતોના નાના-મોટા પ્રસંગો નિર્વિઘ્ને પાર પડતા. રતિલાલ શેઠ અડધી રાતે પૈસા ધીરતા ને પ્રસંગ રંગેચંગે પાર પાડવાની હુંફ આપતા. છોકરાંનું પૈણ હોય કે ગૈઢાંનું મૈણ, રતિલાલ શેઠ પડખે હોય! આવા ગામડામાં કોઈના ઘરે કઢી વઘારી હોય તોય ખબર પડી જાય! ગામમાં કોઈના ઘરે મહેમાન આવે તો ઘરે ઘરે ચા પીને મહેમાન થાકી જાય, એવો ગામલોકોનો ભાઈચારો! સારો-માઠો પ્રસંગ આખા ગામનો હોય, એવું દ્રશ્ય સર્જાતું.
આ ગામમાં જો ભગવાન ભૂલો પડે તો એને સોરઠ પ્રદેશની મહેમાનગતિ પણ વિસરાવે એવા મીઠા મનનાં માનવી અહીં વસતાં હતાં. આમ તો આ વિસ્તારમાં આંતરે વર્ષે દુષ્કાળ પડે. ખેડુતની કેડ માંડ સીધી થાય ત્યાં દુષ્કાળ એને લાંબો દોર કરી નાખે! પણ તોય કોઈ દિ’ અહીંનો જણ જરાય મોળો ના પડે! ભલે આ પ્રદેશના તળમાં પાણી ના હોય, પણ અહીંનાં માનવી ભારે પાણીદાર હો! રોટલેય મોળાં ના પડે ને વટમાંય મોળાં ના પડે, એ માનવી વઢિયાર ધરાનું ધાવણ ધાયેલાં જ હોય! આ પ્રદેશની આ એક આગવી ઓળખ છે. વઢિયાર પંથકના આ નાનકડા ગામમાં ભગા મેરાઈનું ખોરડું. ભગો મેરાઈ ગામનાં કપડાં સીવે અને તેના બદલામાં દરેક ઘર વર્ષેદહાડે બે પાલી બાજરી, અધમણ કાલાં અને વારપરબે સાડી/ધોતિયું પહેરામણી રૂપે આપે. આમ તો લગ્નપ્રસંગે કે દિવાળી ટાંણે લોકો કપડાં સીવડાવતા. જેના ઘરે કપડાં સીવવાનાં હોય તે ઘરના લોકોએ ભગા મેરાઈના ઘરેથી સિલાઈ મશીનનું નીચેનું સ્ટેન્ડ ખભા પર ઊંચકીને લાવવું પડતું. સિલાઈ મશીન, ગજ અને કાતર ભગો મેરાઈ લઇને આવે. ઘરધણી શહેરમાંથી ખરીદેલ કાપડનો ઢગલો કરે. છોકરાનાં કપડાં માટે એક જ તાકામાંથી બધું કાપડ લાવે. નાનાં છોકરાં નાડાવાળી ચડ્ડી પહેરે, થોડાક મોટા હોય તો પટ્ટાવાળા કાપડનો લેંઘો પહેરે! પેન્ટશર્ટ તો શહેરમાં રહેતા લોકો પહેરતા. ભગો મેરાઈ જેના ઘરે કપડાં સીવવા બેસે એનાં કપડાં સીવી રહે ત્યાં સુધી સીવવાનો સંચો એના ત્યાં જ રહે.
બપોરના રોટલા અને સાંજનું વાળું પણ કપડાં સીવડાવનારના ઘરેથી ભગા મેરાઈના ઘરનાં આવીને ભાણું લઈ જતાં. આ ભાણાંમાં ભગો મેરાઈ, એનાં પત્ની અને દીકરી સંતુ ત્રણેય પેટ ભરીને જમતાં! ભગા મેરાઈ એમની જ્ઞાતિમાં પાંચમાં પુછાતો. ગામમાં પણ એનું માન ખરૂં. એ સમયે બહારગામનો કોઈ મેરાઈ બીજા ગામનાં કપડાં ના સીવી આપે! એટલે આવા એકલદોકલ ઘરના કારીગર વર્ગ સાથે સૌને નરમગરમ થઈને પણ સારાસારી રાખવી પડતી! દરેક ગામના લુહાર, સુથાર, વાળંદ, કુંભાર, મેરાઈ વગેરે વસવાયા કોમમાં એક પ્રકારની સમજણ હતી તેથી આવા એક ઘરવાળા પરિવારનું મહત્ત્વ પણ ગામમાં જળવાતું. ભગા મેરાઈને સંતાનમાં એક માત્ર દીકરી સંતુ હતી. સંતુ નાનપણથી જ બહુ ચબરાક હતી. છોકરીઓને તો ભાગ્યે જ કોઇ માબાપ ભણવા મોકલે. આમેય છોકરીઓને તો પારકા ઘરે મોકલવાની ને ત્યાં પણ એણે રસોઈ કરવાની, કપડાં ધોવાનાં ને વાસણ માંજવાનાં, પરિવારનો વંશવેલો વધારવાનો ને સાસરીમાં જે વ્યવસાય હોય તેમાં મદદ કરવાની, એમાં ભણતરની વાત ક્યાં આવી? પણ ભગા મેરાઈએ પોતાની લાડકી દીકરીને નિશાળ બેસાડી. નિશાળમાં ચાર ધોરણ સુધીનું ભણતર ને એક માસ્તર.
એ માસ્તરને સંતુની ઉંમરનો દીકરો હતો. નામ એનું જીવણ, પણ બધા એને જીવો કહીને જ બોલાવે. જીવાને પણ એ વખતે જ નિશાળે બેસાડેલો. સંતુ અને જીવો બંને પહેલા ધોરણમાં હતાં. સંતુને જીવા સાથે રમવાનું ગમતું. સંતુ નાનપણથી જ બહુ ચબરાક હતી. ગામમાં સૌ એને હાજરજવાબી કહેતાં. ભગો મેરાઈ પણ નાતનો આગેવાન હતો. પાંચમાં પુછાતો. નાતમાં એનું વજન પણ પડે. એક વખત નાતની મિટિંગ ભરાઈ. એમાં ભગા મેરાઈની સાથે નાનકડી સંતુ પણ ગયેલી. નાતના પટેલને સંતુનું હાજરજવાબીપણું ગમી ગયું. નાતપટેલે ભગા મેરાઈ પાસે પોતાના દીકરા માટે સંતુનો હાથ માગ્યો. નાતના પટેલનું ઘર ખાધેપીધે સુખી. થોડીક ખેતી પણ હતી. ભગો મેરાઈ નાતના પટેલની વાત ઠેલી ન શક્યો, આમ પણ એને તો ધોળવું હતું ને ઢાળ મળ્યો’તો! સંતુનો ગોળ ખવાયો. નાતપટેલ સપરિવાર સંતુને ચુંદડી ઓઢાડવા આવ્યા. ગામમાં લુહાર, સુથાર, કુંભાર, વાળંદ બધા એક એક ઘરવાળા ભાઈઓની જેમ વ્યવહાર કરતા હોવાથી ભગા મેરાઈએ બધાંને બોલાવી સંતુની ચુંદડી ઓઢાડવાનો પ્રસંગ ઉજવ્યો. નાતના પટેલ વેવાઈ બન્યા હોવાથી ભગા મેરાઈ તો ઉપડ્યા ઉપડતા નહોતા! એકાદ વરસમાં નાતપટેલની દીકરીનાં લગન લેવાયાં. નાતપટેલે એ પ્રસંગની સાથે સાથે દીકરાને પણ પરણાવવાની દરખાસ્ત ભગા મેરાઈ સમક્ષ મૂકી. ભગા મેરાઈને તો ના પાડવાનું કોઈ કારણ જ નહોતું. સાત વરસની સંતુને તો શું ખબર પડે? એને તો પોતાના ઘરે ઢોલ વાગે, સ્ત્રીઓ ઢોલે રમે, મંગળગીતો ગવાય, મામા-ફોઈનાં સંતાનો આવે તેમની સાથે રમવાનો આનંદ અને નવાં કપડાં તેમજ સારૂં ખાવાનો આનંદ મળે એ જ એનો વૈભવ! સંતુનાં બાળલગ્નનો પ્રસંગ ગામલોકોએ પોતાની દીકરી પરણાવતા હોય એટલા હરખથી માણ્યો.
ભગા મેરાઈને બધાના સહકારથી કોઈ મુશ્કેલી ન પડી, ને સંતુ રંગેચંગે પરણી ગઈ. સંતુ અને ગામલોકોએ થોડો સમય લગ્નની ઘટમાળને યાદ કરી ને પછી એ વાત વિસારે પડી. સંતુનું ભણવાનું તો ચાલુ જ રહ્યું. સંતુ ચાર ચોપડી ભણી ઉતરી. જીવો પણ સંતુની સાથે જ ભણ્યો. સંતુને તો, ‘હવે ચાર ચોપડી ભણી તે કંઈ ઓસું સે!’ – એમ કહીને સંતુનું ભણવાનું બંધ થયું. જીવો પાંચમા ધોરણમાં એના મામાને ત્યાં ભણવા ગયો. જન્માષ્ટમીની રજાઓમાં જીવો ઘરે આવ્યો ત્યારે થોડો દુબળો પડી ગયો હતો. કૂવે પાણી ભરવા જતી વખતે રસ્તામાં જીવાની ખડકી સામે નજર પડી ને સંતુ જીવાના ઘરે ગઈ. જીવો પણ સંતુને જોઈ ખુશ થયો. દિવાળીના વેકેશનમાં પણ જીવો આવ્યો ત્યારે તો ઘણા દિવસો સુધી રોકાયો. મોટેભાગે રોજ સંતુ અને જીવો કંઈક બહાનું શોધી એકબીજાના ઘરે મળતાં. આમ, ત્રણ વરસ વહી ગયાં. રજાઓમાં જીવો આવે તેની સંતુ આતુરતાથી રાહ જોતી. બાલસહજ આકર્ષણ હતું આ, એને ખરાબ નજરે લોકો જુએ એટલી ઉંમર પણ એમની ક્યાં હતી! સંતુએ સોળ વરસ પૂરાં કર્યાં હતાં. સંતુના સાસરેથી આણું વળાવવાની ઉતાવળ થઈ રહી હતી. પણ ‘સંતુ હજી નાની છે’ – એમ કહીને સંતુની માએ આવતી નવરાત્રિમાં આણું તેડવાનો વાયદો કર્યો હતો. જીવો હાયર સેકન્ડરીની પરીક્ષા આપીને ઘરે આવ્યો હતો. જીવાના પિતાજી શાળાએથી ઘેર આવ્યા ત્યારે એમના હાથમાં બદલીનો કાગળ હતો. એમની બદલી વતનની નજીકના ગામે થઈ હતી. નવા સત્રથી એમને નવી શાળામાં હાજર થવાનો ઓર્ડર હતો. પિતા ખુબ ખુશ હતા. આટલાં વર્ષો પછી એમને વતનનો લાભ મળ્યો હતો. સંતુને જીવાએ પિતાની બદલીની વાત કરી. સંતુએ નવરાત્રિમાં પોતે આણું વળીને સાસરે જશે-એ સમાચાર આપ્યા. કદાચ હવે ક્યારે મેળાપ થાય તે ભાવિ જ કહી શકે! બે દિવસ પછી ધુળેટીનો તહેવાર આવતો હતો. સંતુ અને જીવો નિર્દોષ ભાવે ધુળેટીનો તહેવાર માણી રહ્યાં હતાં. અચાનક સંતુએ જીવાના હાથમાં રંગથી ભરેલી ડોલ જોઈ, એને તરત કશું ન સૂઝ્યું, પણ તે બાજુના ઢોર બાંધવાના ઘરમાં દોડી ગઈ. જીવો પણ પાછળ ડોલ લઈ દોડ્યો. સંતુ અને જીવો ધુળેટીના રંગે રંગાઈ ચૂક્યાં હતાં! પણ આ રંગ પાકો હતો.
રંગાઈ જવામાં સંતુ તરફથી જરા પણ પ્રતિકાર થયો ન હતો. રાતે અચાનક ભયાનક સ્વપનએ સંતુને જગાડી. આજે રંગ ભર્યા તહેવારમાં પોતે ભાન ભૂલી હતી. એ જીવાને સમર્પિત થઈ ચૂકી હતી! હવે? એની નિંદર ઊડી ગઈ. એની મુંઝવણ સંતુ કોને કહે? હવે એ જીવાને મળવાની હિંમત પણ હારી ગઈ હતી. વહેલી પરોઢની નિંદરમાં આખું ગામ ઘોરતું હતું, એવે ટાણે કંઈક નિર્ધાર કરીને દબાતે પગલે સંતુએ પાણીનું બેડું માથે લીધું ને કૂવે ચાલી. શેરડીનાં બે-ચાર કૂતરાં સિવાય સંતુનાં પગલાંની નોંધ કોઈએ ન લીધી! સંતુએ કૂવાને કાંઠે બેડું મૂકીને કૂવામાં ભૂસકો માર્યો. થોડો ધબાકો અને પાણીનાં કુંડાળાં-બધું ઘડીભરમાં શાંત થઈ ગયું! શું થયું, કેમ થયું, આજ સુધી એનો તાગ કોઈ મેળવી શક્યું નથી. જીવો પણ પિતા સાથે વતનને ગામ રહેવા ચાલ્યો ગયેલો. આ વાતને 45 વરસનાં વહાણાં વાઈ ગયાં, છતાં એનો ભેદ કોઈ જાણી શક્યું નથી.
લેખક: દશરથ પંચાલ