જય ગિરનારી- શામજીની નીતિ એક બોધકથા

0
જય ગિરનારી- શામજીની નીતિ એક બોધકથા

જય ગિરનારી- શામજીની નીતિ એક બોધકથા

                         અંધકારને બે હાથ થી ચીરતો સુરજ દાદાનો સોનેરી પ્રકાશ ઝાડી ઝાંખરા ની વચ્ચે થઇ ને સાસણગીર ના જંગલ માં અજવાળું પાથરી રહ્યો હતો. શિયાળાનો સમય હતો. ઠંડી એના જોર પર હતી. ઝાડવા પણ જાણે શિયાળા ની આં કાતિલ ઠંડી માં ઠુંઠવાઈ ગયા હતા. પંખીડાઓ પણ પોતાના માળા માંથી બહાર નીકળી ને ઝાડ ની ઉંચી ડાળી ઓ પર આવી ને બેઠા કે જેથી એય સુરજ દાદા નો પ્રકાશ પોતાના શરીર પર લઇ ને આ જીવલેણ શિયાળા ની ઠંડી ને માત આપી શકે. ઝાડ ની ડાળી પર બેસેલા પંખી ઓ ના અવાજ થી સુના જંગલ માં જાણે જીવ આવી ગયો હતો. જંગલ પણ આળસ મરડી ને બેઠું થયું હોય તેવું લાગતું હતું. હવે ચહલ પહલ વધી હતી. નેસડા બાજુ જતા રસ્તા પરથી ગાયોને ચરાવવા માટે માલધારી લોકો જંગલ તરફ આવી રહ્યા હતા તેવો અવાજ સંભળાય રહ્યો હતો. ગાયો ના ગળે બાંધેલી ઘંટડીઓ ના અવાજ થી જંગલ ગુંજી ઉઠ્યું. હતું. ગાયો ના પગરવ થી રસ્તા પર થોડી ધૂળ ઉડવા લાગી હતી. ગાયો ની લાંબી કતાર લાગી હતી જંગલ ના રસ્તે. એક ની પાછળ એક એમ ગાયો ચાલી રહી હતી. સૌ ની છેલ્લે, શામજી તેની ત્રણ ભેંસો ને લઇ ને જંગલ તરફ ચાલી રહ્યો હતો.

                          જાય ગિરનારી શામજીની નીતિ એક બોધ કથાહાલતા હાલતા, શામજી જંગલ ની એકદમ મધ્યમાં આવી જાય છે. બપોરના સમયે ભાથું ખાઈ ને એક તળાવ ની નજીક મોટા ઝાડ નીચે શામજી થડ ના ટેકે બેસી જાય છે. એની ભેંસો પણ તળાવ ની નજીક નું ઘાસ ખાવા લાગે છે. થોડી જ વાર માં ઠંડી હવા ની અસર થી શામજી નીંદર માં આવી જાય છે. ભેંસો પણ ચરતા ચરતા જંગલ માં આગળ નીકળી જાય છે. શામજી આમ તો આખો દિવસ ભેંસો ચરાવતો હતો, પરંતુ ગઈ કાલ ના ઉજાગરા ને કારણે તેને નીંદર આવી જાય છે. સમય ઘણો વીતી જાય છે. સાંજ ના સમયે નીંદર પૂરી થતા જાગે છે અને જુએ તો આજુ બાજુ માં ક્યાંય તેની ભેંસો દેખાતી નથી. મુંઝાયેલો શામજી આમ તેમ દોડે છે પણ ઢોર ક્યાંય દેખાતા નથી. ધીરે ધીરે સાંજ ઢાળવા લાગી હતી અને જંગલ માં રાત્રી રોકાણ નું પરિણામ શું આવશે એ જાણતો હતો. હવે શું કરવું એ વાત તેને સમજાતી નહોતી. તે મનોમન ભગવાન ને યાદ કરવા લાગ્યો. અચાનક જ સામે થી એક સાધુ મહારાજ આવતા દેખાયા. “ જય ગિરનારી” એવો અવાજ સાંભળી શામજી તેમની સામે જોવા લાગ્યો અને સાધુ ને કઈ પૂછે એ પહેલા જ કહ્યું “ ભાઈ તારી ભેંસો આ રસ્તે આગળ જાય  છે.” ભલે બાપુ કહી ને, શામજી એ એબાજુના રસ્તે દોટ લગાવી. થોડા આગળ જતા જ , શામજી ને ભેંસો દેખાય ગઈ. ખુશ થયેલ શામજી ત્રણેય ભેંસોને પછી વાળી, ઘર તરફ પ્રયાણ કર્યું. ઘર પર મોડા પહોંચેલા શામજીને બધા નેસડા વાળા પૂછવા લાગ્યા કે કેમ મોડું થયું?. શામજી એ બધી હકીકત જણાવી. અને બધા છુટા પડ્યા. ફરી રાત્રી નો અંધકાર પુરા સાસણ ગીર પર છવાઈ ગયો હતો.

 

                વહેલી પરોઢ નું સમય થયો હતો. નેસડામાં ફરી ચહલ પહલ ચાલુ થઇ ગઈ હતી. વાછરડા ના ભાંભરવાનો અવાજ આવતો હતો. કેટલીક જગ્યા એ વાછરડાને સામે રાખી ગાયો ને દોહવાનું કામ ચાલુ હતું. તો વળી ક્યાંક ગાયો ના આંચળ માંથી છુટેલી દુધની ધાર જયારે બોઘરણા( દૂધ દોહવા માટેનું પાત્ર) માં પડતી તેનો અવાજ પણ લયબદ્ધ રીતે આવતો હતો.

          જાય ગિરનારી શામ્જીની નીતિ એક બોધકથા  ઉગતા સુરજ ના અજવાળે, શામજી એ પોતાની ત્રણ ભેંસો સાથે ફરીવાર જંગલણો રસ્તો પકડ્યો. ચાલતા ચાલતા શામજી ફરીવાર એજ તળાવ ના કાંઠે નાના મંદિર જેવી ડેરી ની બાજુ માં આવી ને બેઠો. મંદિર માંથી આવતા હોકા ના અવાજે, કુતુહલતાવશ શામજી ને મંદિર માં જવા પ્રેર્યો. અંદરની બાજુ નજર નાખતાં જ શમાજી ખુબ રજી થયો. મંદિર માં શામજી ને સાધુ મહારાજ દેખાયા જેમણે તેને ગઈ કાલે ખોવાયેલી ભેંસો નો રસ્તો બતાવ્યો હતો. શામજી એ મહારાજ ને પ્રણામ કર્યા અને તેમની બાજુ માં જઈ ને બેસી ગયો. થોડી વાર પછી ધ્યાન ની મુદ્રા માં બેઠેલા મહારજ શામજી સામું જુએ છે અને પછી તેની સાથે વાતચીત સારું કરે છે. વાતચીત દરમ્યાન શામજી પોતાના ઘરપરિવાર અને નેસડા વિષે જણાવે છે. પોતાની ભેસો વિષે માહિતી આપવા બદલ શામજી આભાર મને છે. શામજી પોતે અભણ હોવા છતાં ખુબ ધાર્મિક સ્વભાવનો અને મહેનતુ હતો. સાધુ મહારાજ સાથે હવે તે રોજ આવીને બેસતો અને ધર્મ-ભક્તિની વાતો મહારાજ સાથે કરતો. ધીરે ધીરે શામજી એ મહારાજ ણે પોતાના ગુરુ બનાવી લીધા. એક દિવસ તેને મહારાજને કહ્યું કે જો તે નેસડા બાજુ આવે તો પોતાના ઘરે અવશ્ય આવે તેવી પ્રાર્થના કરી.

         પોતાની પૂજા વિધિ પતાવ્યા બાદ એક દિવસ સાધુ મહારાજ ગામ બાજુ જવા નીકળ્યા. રસ્તા માં શામજી નો નેસડો આવતા મહારાજ શામજીના ઘરે પહોંચ્યા. પોતાના ગુરુને જોતાજ શામજી ખાટલા માંથી ઝટ ઉભો થઇ ગયો ને ગુરુ ને  પ્રણામ કરી પોતાના ઘર માં બોલાવ્યા. ગુરુ વાતચીત દરમ્યાન ચેલા ની ખબર અંતર લઇ રહ્યા હતા અને ચેલો એ જણાવી રહ્યો હતો કે ગુરુના મળ્યા બાદ એના જીવન માં કેવી સમૃદ્ધી આવી છે. ગુરુ આખો દિવસ શામજી ના ત્યાંજ રોકાયા. દિવસ દરમ્યાન પણ જ્ઞાન ની વાતો જ ચાલુ.

ભોજન રાત્રે પણ તાપણું કરું તેની ફરતે નેસડા ના બધા લોકો બેઠા અને ભજન- સંતવાણી ની સરવાણી વહી. મોડી રાત્રે બધા સુવા ચાલ્યા. ગુરુ પણ ખાટલે સુતા પણ તેમને નીંદર ન આવી. બધું તો ઠીક પણ શામજી ની એક વાત તેમને ખટકી. શું? તો કે જમતી વખતે કટોરો ભરી જે દૂધ આપ્યું તેમાં પાણી ભેળવાયેલું હતું. થોડું માનો મંથન ચાલ્યું. સવારે ગુરુએ અ વાત ની ચર્ચા શામજી સાથે ન કરતા, જંગલ તરફ પ્રયાણ કર્યું.

               થોડા દિવસો વીત્યા હશે ત્યાં વળી ગુરુ ને શામજી તરફ થી પૂનમે ફરી ઘરે આવવા માટે આમંત્રણ મળ્યું. સાધુ નેસડામાં પહોંચ્યા અને તેમનું સારું સ્વાગત થયું, જમવાનું થયું. અને રાત્રે વળી ભજનની રમઝટ જામી. રાત્રે સુતા સુતા તેમને ફરી પછી એજ પુનરાવર્તિત ઘટના યાદ આવી. ગુરુને બીજી વાર પણ શામજી દ્વારા પાણી ભેળવેલું જ દૂધ આપવા માં આવ્યું હતું. ગુરુ નારાજ હતા. પણ ગુરુની બારીક નજરે ભેંસો દોહયા પછી બોઘરણા માં રેડાતું પાણી જોયું હતું. સવારે વાત વાતમાં ગુરુ એ શામજીને કામની વિષે પૂછ્યું. શામજી એ કહ્યું કે આ દૂધ પોતે શહેર માં વેચીને ૬૦૦૦/- રૂપિયા કમાય છે. ગુરુજી એ તેને આ દુધમાં પાણી નાખવાનું બંધ કરવા માટે કહ્યું. અને પોતે આપેલા જ્ઞાન અને સંસ્કાર ની વાત કરી. છેલ્લે આશીર્વાદ આપી ગુરુ એ જંગલની વાત પકડી.

       આ બાજુ શામજી પણ ગુરુજીની વાત એક કાનથી સાંભળીને બીજા કાન થી કાઢી નાખી. પોતાના રોજીંદા જીવન માં પરોવાઈ ગયા અને દુધમાં પાણી ભેળવવા નું કામ ચાલુ રાખ્યું. વધુ એક મુલાકાત દરમ્યાન ગુરુ ને પણ આ વાત ની પુષ્ટિ થઇ ગયી. ગુરુ મનોમન અત્યંત દુખી થયા અને શામજી ને વધારે કઈ કહ્યા વગર મંદિરે પાછા આવી ગયા. કોઈ કારણ સર તબિયત ખરાબ થતા શામજી પથારી વશ થયો. હવે જંગલ માં ભેંસો ચરાવવા જવા માટે શામજી ના બાર વર્ષ નો પુત્ર રઘુ નીકલ્યો. ઘણી વાર પિતા સાથે જંગલ ગયેલો રઘુ પણ તળાવ ના કાંઠે મંદિર પાસે આવી બેઠો. બાજરીનો રોટલો અને છાસ પીધા પછી રઘુને પણ નીંદર નું એક ઝોકું આવી ગયું. એટલા માં અચાનક જ પાણી પીવા આવી ચડેલા સાવજ(સિંહ) ની નજર ભેંસ પર પડે છે અને ભેંસ તેનો શિકાર બની જાય છે. કોલાહલ થી જાગેલો રઘુ ભેંસ ને બચાવવા પોતાની દંગ લઇને સાવજ ની સમો થાય છે પણ ભેસનું મોત આજ જાણે ઉપર થી નક્કી થયેલું હોય તેમ કાળનો શિકાર બની જાય છે. બાકીની બે ભેંસો લઈને રઘુ નેસડામાં પરત જાય છે.

           માંદગી માંથી સાજો થયેલ શામજી ફરી પોતાનો બે ભેંસો લઈને જંગલ જાય છે. મંદિર પાસે ગુરુ મળતા પ્રણામ કરે છે. ગુરુ ખબર અંતર પૂછે છે. શામજી પોતાની ભેંસ કેવી રીતે સિંહનો શિકાર બની ગયી તે જણાવે છે. ગુરુ તેને ફરી પૂછે છે . શામજી તું દૂધમાંથી કેટલું કમાયો તો ? શામજી એ કહ્યું ૬૦૦૦/- રૂપિયા. ગુરુ એ પૂછ્યું અને તારી ભેંસ કેટલાની હતી.? શમાજી એ કહ્યું “મહારાજ તે ભેંસ ૩૪૦૦૦/- થી ૩૫૦૦૦/- રૂપિયા  ની તો હશે જ. ગુરુ એ શામજીને પાણી પીવડાવ્યું અને તેના માથા પર હાથ ફેરવ્યો. પછી બોલ્યા “ જો શામજી તું દૂધમાંથી ૬૦૦૦/- રૂપિયા કમાયો અને તારી ભેંસ ૩૪૦૦૦/- રૂપિયાની હતી તો તને કુલ ૪૦૦૦૦/- રૂપિયાનું નુકશાન થયું. મતલબ કે તું જે કમાયો ૬૦૦૦/- રૂપિયા તે માંદગીમાં ગુમાવ્યા અને ૩૪૦૦૦/- રૂપિયાની ભેંસ ગુમાવી. અનીતિ થી કમાયેલા ૬૦૦૦/- રૂપીયાણો હિસાબ ૪૦૦૦૦/- ના નુકસાન થી થયો. હવે વિચાર કર. તારી પાસે હજુ બે ભેંસો છે. એક છોકરો રઘુ અને તારી પત્ની છે. તારી જેટલી સંપતિ છે એના પ્રમાણ માં અનીતિ કરજે. અહીનો હિસાબ અહી જ ચૂકવવાનો હોય છે. મેં તને જે જ્ઞાન આપ્યું તેનો સદઉપયોગ કરજે. નીતિથી ચાલજે. તારું કલ્યાણ થાઓ. એમ કહી ગુરુ દિનચર્યા અર્થે ચાલી નીકળ્યા. શામજી  હવે બધું ભાન અને જ્ઞાન થઇ ગયું હતું. તેને માત્ર નીતિ પ્રમાણે કર્યું ને જીવન સુધાર્યું. જય ગિરનારી….

( નોંધ:ઘટના, નામ બધુજ કાલ્પનિક છે. જીવિત કે મૃત વ્યક્તિ સાથે કોઈ જોડાણ કે સામ્ય નથી.) ચિત્ર સ્ત્રોત: (Pixabay)

–  દિનેશ પરમાર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: